હજો હાથ કરતાલ - એક સ્વોપજ્ઞ ટિપ્પણ*
1. હાથ(માં) કરતાલ, ચિત્ત(માં) ચાનક, અને તળેટી સમીપે થાનક હજો-એવી અભીપ્સાનો ઉદ્ગાર. 'ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય'. નરસિંહ મહેતાના સંદર્ભની વ્યંજના.
2. મીરાંબાઈના જીવનની ઘટના-અનન્ય શ્રદ્ધાના પરિણામસ્વરૂપે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. અહીં સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ: 'લઈ નામ તારું'ને બદલે 'લઈ નાંવ થારો', 'સમયનું હળાહળ'નું 'સમયરો હળાહળ'માં રુપાંતર, 'ધર્યું હોઠ'ના સ્થાને 'ધર્યો' હોઠ. 'અમરત જાણીને મીરાં પી ગયાં' તે 'અમીયેલ પાનક'. પાનક- 'પાન'(પીવું તે)ને સ્થાને સ્વાર્થે 'ક' પ્રત્યય લાગતાં 'પાનક' અર્થાત 'પેય'પેય, વિશિષ્ટ પેય.
3. શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. સંદર્ભ: તુલસીદાસ. 'ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર'.
4. વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમજ યથાવત પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. સંદર્ભ: કબીર સાહેબ. 'દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં'. 'જાળવ્યું છે', 'ઝીણેરા જતનથી', 'સોંપીશું' અને 'કોરું કથાનક'એ પદો દ્વારા સધાતી વ્યંજના.
5. માત્ર આ એક જ શેરમાં પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે 'નાનક' એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. સંદર્ભ: નાનકસાહેબની પ્રસિધ્ધ ઉક્તિ 'રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ'. ચણનું 'ચન', ચણેનું 'ચુગે', રાખીનું 'રખી' અને હાથનું 'હથ્થ'. એ દ્વારા પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ..
6. પુન: એક તીવ્રતમ અભીપ્સા. અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. મહાભાવને બદલે 'મહાભાબ', તથા ધૌત -'ધઊત', ગૌડ- 'ગઊડ' એવા પદોચ્ચાર દ્વારા બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ. વ્યાકરણ સંમત છતાં અલ્પપ્રયુક્ત એવું 'ગાનક' પદ - જે ચૈતન્યદેવના 'હરિ બોલ હરિ બોલ' ઉદઘોષને વ્યંજિત કરે છે.
7. અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ 'અનલ હક'- અહં બ્રહ્માસ્મિ દ્વારા. 'શબોરોઝ'- રાત દિવસ એની મહક - પરમ તત્વનો ગાઢ સંસ્પર્શ, 'મુસલસલ'- સતત, અવિરત, અવિચ્છિન્ન, 'અજબ'- અનિર્વચનીય, 'હાલ' સમાધિના દિવ્યભાવની અવસ્થા. 'આનક'- આનન - મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, 'આનક' મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.
- રાજેન્દ્ર શુક્લ
22/08/2007.
*પોતાની રચનાને વિશદ કરવા રચનાકાર સ્વયં જે ટિપ્પણ-ટીકા-ભાષ્યાદિ રચે તેને માટે 'સ્વોપજ્ઞ' એવી સંજ્ઞા આપણી પરંપરામાં પ્રયોજાય છે.
(નોંધ: આ ગઝલને સમજવાની ઇચ્છાથી કવિશ્રીને પુછાએલા પ્રશ્નોના ઉત્તર ભાવકો સુધી પહોચાડવાની મારી ભાવનાને માન આપીને કવિશ્રીએ સ્વહસ્તે લખી આપેલ અઢી પાનાનો લેખ. મારા જીવનની કેટલીક ધન્યતમ પળોમાંની એક... - ધૈવત શુક્લ.) |