સ્વરવિરહ
સૂર શબદ સહિયારું રે,
સપનાનું મજિયારું રે!
કુંજગલી સોંસરવું જાતાં,
સપનાનું મહિયારું રે!
સ્મરણોને સંજવારું શેં,
ઊભરાતું કીડિયારું રે!
વેળ અસૂરી ને વળવાનું,
અખિયનમાં અંઘિયારું રે!
મૂંગુમંતર થઈને ઊભું,
દરદ હવે દખિયારું રે!
અમથીય એની આંખમાં એક અકળ, ગૂઢ ચમક રહ્યા કરતી ને મળે ત્યારે ઑર વધતી. કવિતા સાંભળે ત્યારે માત્ર સાંભળે નહીં, ભળે - એવું સર્વાંગ દીપ્ત ભળે કે પરેશને કવિતા સંભળાવવી એટલ સ્વયં એક આહલાદ.
સૂરની સાથે શબ્દ પણ એના પર પ્રસન્ન, કવિતાનો શબ્દ એની સમક્ષ પૂરેપૂરો પ્રકટ થતો. એટલેજ તો ઇતિકર્તવ્યતાને આરે કૃતકૃત્ય થઈ ઝળહળતા સમર્થ શબ્દને પણ એ સ્વરના સાયુજ્યે સુદૂર પ્રવાસે લઈ જઈ શકતો. શબ્દનો સ્વરાનુવાદ એ જ માત્ર એને મન સ્વરકર્મ ન હતું. શબ્દનાં સ્વકીય સીમોલ્લંઘન પછીની સ્વરયાત્રા, શબ્દનું શબ્દાતીત સ્વરાલોકિત થવું એજ એનું અભિપ્રેત હતું.
મારી બધી જ રચનાઓ મેં એને સંભળાવી છે, કેટલીક તો અનેક વાર. કીડિયારાંની જેમ ઉભરાતાં એ સ્મરણોને સુરેખ સંજવારી શકું એ ક્ષમતાને હું હવે ગુમાવી બેઠો છું. સપનાનું મજિયારું આમ એકાએક અકાળે જ વીંખાઈ જાય, એની કળ હજી વળી શકતી નથી. સ્મરણ કરતાંજ વચ્ચે વચ્ચે શુન્યમનસ્કતા ઘેરી વળે છે. સ્મરણોના આલેખન માટે જરૂરી થઈ પડતા દોરત્વની વક્રતા મન સ્વીકારી શકતું નથી. છતાં...
‘હજો હાથ કરતાલ...’ એ ગઝલ ’78માં લખાઇ. સાંભળતાં જ એ કહે ‘આ મને લખી આપો.’ મેં કહ્યું, ‘કેમ?” તો કહે, ‘આના દરેક શેરમાં નાનકના અપવાદ સિવાય કોઈ ને કોઈ સંતની વ્યંજના છે. તળેટી, કરતાલ, ચાનક જેવા શબ્દ તે તે સંત સાથેના સહચર્યને કારણે તે થાય છે. એવી જ વ્યંજના તેમના સંગીતના સાહચર્યો દ્વારા પણ શક્ય છે...’ એ ક્ષણનો ચકિત રોમહર્ષ આજેય અકબંધ, શબ્દાતીત, પણ હવે આર્દ્ર કેવળ વિરલ...
ગઝલના શબ્દોને આત્મસાત કરી, શબ્દતત્ત્વને ઘૂંટી ઘૂંટી અને એના સ્વરાવતારની ચાર ચાર વર્ષ સુધી લંબાયેલી, સતત મથામણભરી એની સર્જનપ્રક્રિયાનો હું અંતરંગ. આ પ્રક્રિયાની ઉપલબ્ધિ બહુ મોટી હતી, અપૂર્વ હતી. એનાં અજવાળે ગુજરાતી ઊર્મિકવિતાના સકળ ઐશ્વર્યને આલોકિત કરવાની યોજના હતી. નરસિંહથી આજ સુધીની ગેયતાને સુચીબદ્ધ કરી રાખી હતી ! પૂર્ણતાનો આગ્રહ એવો કે ઉચ્ચરનો અર્થભાર સ્વરોમાં અળપાઈ ન જાય એ માટે એ વારંવાર પઠન તો કરાવે જ, પણ પઠન પાછું ટેપ પણ કરી રાખે ને વરંવાર સાંભળે.
ફરી મળવાનું થયું તો કહે, ‘નરસિંહ, મીરાં અને તુલસીના ત્રણ શેર થઈ ગયાં છે, મને હજી એક ક્પ્લેટ (શેર) ચૈતન્યદેવ વિશે કરી આપો એટલે આખું ઉત્તર ભારત સંકળાઈ જાય.’ મેં કહ્યું, ‘એ તો અઘરું છે, થાનક, ચાનક જેવો એક પ્રાસ જોઈએ તે ક્યાંથી લાવું?’ તો કહે ‘થશે !”
પછી તરત સ્ટુડિયોમાં જઈ કંપોઝ કરેલા ત્રણ શેર સંભળાવ્યા. નરસિંહ, મીરાં અને તુલસીદાસને સ્વરદેહે સાક્ષાત કરી દીધા. અમે બંને કેવળ ભાવવિભોર, આનંદમૂર્છિત. એ અદભૂત ગાનનાં અનુરણનની ક્ષણોમાં જ ‘ગાન’ પરથી ‘ગાનક’ એ પ્રાસ ઝળક્યો. યોગાનુયોગ એ દિવસોમાં ‘ચૈતન્યામૃત’નું વાચન તો ચાલતું જ હતું. મેં કહ્યુ, ‘પરેશ, ચૈતન્યદેવ વિશેનો શેર થશે !’
અને સાચ્ચે જ, વડોદરાથી હું દાહોદ ગયો તે રાત્રે જ ચૈતન્યદેવ વિશેનો શેર અનાયાસ થઈ ગયો, પરેશે મૂકેલું બીજ. ને નોટમાં એ લખ્યો કે તરત જ કોઈ ચમત્કારની જેમ અચાનક એક બીજો શેર પણ લખાયો. અરે, આ તો મન્સૂર, અજ્ઞાત મનમાંથી સીધા જ જાણે કે ઊતરી આવ્યા ! ને ભજનના સૂફી સંભારને ગઝલનું એક પરિમાણ મળ્યું. રચના આમ સ્વરકારને કારણે સંપૂર્ણ બની !
પછી પાછા મળ્યા તો કહે, પંજાબી હીરના સ્વરોમાં નાનકને બાંધવા છે. કોઈક કંઈ શીખવા આવવાનું હતું તે ન આવ્યું ને હાર્મોનિયમ લઈ મિત્રને ઘેર બેઠા હતા ત્યારે એનું સ્વરાંકન થઈ ગયું. દાહોદ યુવક મહોત્સવ વખતે ઘેર બેઠા હતા, ચાર શેર સાંભળવા પડોશમાંથી પેટી મગાવી, હિંડોળે બેઠાં બેઠાં સહુને એ સંભળાવ્યા ને એ સમયે બાઉલ સ્વરોમાં ચૈતન્યદેવ વિશેનો શેર, ગૌડ ગાનક કંપોઝ થયો. એક્દમ આનંદમાં આવીને કહે, ‘આશ્ચર્ય !’ મેં કહ્યું, ‘પરેશ ચૈતન્યદેવ એમની યાત્રામાં કદાચ દાહોદ થઈને ગયેલા...’
વડોદરામાં એક વખત બાંગ પોકારાતી સાંભળી અટકી ગયો. કહે, ‘મન્સૂરનો શેર આ સ્વરોમાં કંપોઝ કરવાનો છે.’ પછી એકમાત્ર કબીરજી રહી ગયેલા. એમનું સંગીત સાથેનું મન માને એવું તેવું સાહચર્ય મળે નહીં એટલે કહ્યા કરતો કે કબીરજી પકડાતા નથી. સંગીતનો પાદેશિક ઈતિહાસ ઉથલાવિની આખરે એણે ‘રસિયા’ શોધી કાઢ્યો. રવિજીની એક જુની રેકર્ડ પણ મેળવી ને ‘અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક’ના કોરા કથાનકને પછી આખરે સ્વરબદ્ધ કર્યું !
પછીનો મહાવિકટ પ્રશ્ન આ બધા ભિન્ન ભિન્ન સ્વરવિન્યાસોને પ્રભાતીના સ્થાયી સાથે જોડવાનો હતો. એ અશક્યમાંથી પણ એ જે પાર ઊતર્યો તે એક અપૂર્વ સંસિદ્ધિ હતી. એ કહેતો કે જગતસમગ્રમાં ભક્તિના સૂર મૂલતઃ એક સરખાં જ છે એ આમાંથી અનુભવવા મળ્યુ.
જેવું અપૂર્વ આ રચનાનું સ્વરકર્મ હતું એવો જ અનન્ય એનો આનંદ હતો. ચાર વર્ષે જ્યારે એણે આનું રેકર્ડિંગ કર્યું ત્યારે કવિને લખેલા પત્રમાં એ આનંદને પ્રગટ થતાં એ રોકી શક્યો નથી. સામાન્ય રીતે પત્ર ભાગ્યે જ લખે. લખે તો પણ ટૂંકા. પણ આ પત્રમાં એ ઘણો પગટ થયેલો. એના આનંદ ઉપરાંત એનુ વ્યક્તિત્વ, એનો સર્જન સાથેનો સંબંધ, તદ્વિષયક એની સમજ - આ બધું સુરેખ ઊપસી આવ્યું હોઈ આ પત્રનો પ્રારંભ અહીં આપું છું -
“પરેશ ભટ્ટ, આકાશવાણી, રાજકોટ. ત્રણ મે, બ્યાશી, સોમવાર.
કવિરાજ-ઇન્દ્ર,
આનંદો.
અખિલાઈના આનંદમા એક ડગલું આગળ. ‘હજો હાથ કરતાલ...’ના સંતો સ્વરતંતુએ બંધાઈને અવતરી ચુક્યા છે હવે... ચાર-ચાર વર્ષની લાંબી મજલ કાપી, ભધા ભેગા થઈ તળેટીમાંથી ઊપડી, નરસિંહે મીરાંને, તુલસીને, કબીરને, નાનક તથા ચૈતન્યને બાથમાં લઈ છેલ્લે મન્સૂરની ભૂમિ પર જઈ ગઝલનું ભજન આદર્યું છે. અનલહકની અહાલેક જગાવી સૂરમઢી, ભક્તિરસની ધૂણી ધખાવી બેઠા છે. શ્રુતિગમ્ય આ કર્ણદૃશ્ય નિહાળી ખરેખર ચિત્ત ચાનક બની રહે છે.
સર્જકને એના સર્જનની સંપૂર્ણતા વિશે હંમેશા આશંકા હોય છે. છતાંય આ એક સર્જન મને તો અત્મરણકારની સમીપે ઘસડી ગયું છે, એમા શંકા નથી, સાંભળું છું ત્યારે અખિલાઈના ઉદારપણાની પ્રતીતિ થયા વગર રહેતી નથી.
ખરેખર તો સર્વ સુરનરમુનિજનોએ સૂરમાં એકસૂત્રે બંધાઈને વિશિષ્ટ સ્વરુપે અવતરણ કરવાનું નક્કી કર્યું ત્યારે રાજેન્દ્રની કલમને વેગ મળ્યો. ખૂણામાં પડેલ મને પણ જોડીદાર બનાવી દેવાયો અને ભલે મા સરસ્વતીએ જ તેનું ભારણ પોતા પર લઈ એને સંપૂર્ણ સ્વરદેહ બક્ષ્યો.
સાંભળીને ધન્યતાથી વિશેષ કોઈ અનુભૂતિ થતી નથી કારણ કે જ્યારે સાંભળું છું ત્યારે મનેય અદભુત ચમત્કૃતિ જેવું લાગે છે, માનસિક ભૂમિકા પર મારા વડે આવું કશુંક થઈ શકે એ વાત મન માનવા તૈયાર નથી; એ તો અખિલાઈની જ નરી ઇચ્છા અહીં અવતરવાની કે મને નિમિત્ત બનાવી દીધો.
પત્રદેહની આતુરતાપૂર્વક રાહ જોઉં છુ.
આપના પરેશ ભટ્ટના સ્વરવંદન.”

પરેશને અંજલિ આપતા એટલું જ કહી શકાયું હતું, ‘જેમ મળતો હતો એમ જ મળતો રહેજે કાંઈક સોક્ષ્મ સ્તરે....’
એક વખત સ્વપ્નના સ્તરે મળ્યો પણ ખરો, મેં પૂછ્યું, ‘પરેશ, શરીર વિના ગાઈ ન શકાય ?’
એણે કહ્યું, ‘ગાઈ શકાય, હું ગાઉં જ છું ને !’
મેં કહ્યું, ‘પણ સંભળાતું નથી...’
એ કહેં, ‘સંભળાશે, એ જરા અઘરું છે.’
બસ, એણે કહેલું એ અશરીરી ગાન સંભળાય તેની રાહ જોયા કરું છુ.
-રાજેન્દ્ર શુક્લ
જુલાઈ, 1983.
(પરેશ ભટ્ટ સ્મૃતિગ્રંથમાંથી સાભાર)
|