Listen to Ghazal "Pindne Pankh Dai Didhi " recited by Poet Shri Rajendra Shukla at Junagadh in a private session on 24th Feb. 2009.
(click to play)
પિંડને પાંખ દઈ દીધી અને -
પિંડને પાખ દીધી અને પાંખને
વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને
ગત બધી જૂગતે પરમગામી કરી !
કેદૂના જે હતા તે કઢાપા ગયા,
આખરે આંખ ઊઘડી ગઈ એવું કે -
છો ભરણ આકરા, આકરી બળતરા,
દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !
કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં,
પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને,
એક ક્ષણ જકડીને જામોકામી કરી !
કોઇ કે'તુ ભલે, કંઈ અધુરું ન'તુ ,
આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા,
ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા,
નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી,
કઈ ક્ષણે ખેસની રામનામી કરી !
- રાજેન્દ્ર શુક્લ
10.12.2008
|