કયે લોકથી હાથ લાધ્યું આ જંતર !
અરે આ કઈ ભોમ પર પાય મૂક્યા,
કયા સળવળ્યાં કાળ જૂના ડટંતર,
અકળ ઓળખાણે ગળે આભ આખું,
કયે લોકથી હાથ લાધ્યું આ જંતર !
ક્યહીંથી ભભૂક્યો હુતાશન હરખભર,
કયા વાવડાની અડી ઝાળ ઊંચે ?
બક્યા હોડ તે તો રહી હોઠ હેઠી,
હડી કાઢતામાં હટ્યા અંધ અંતર !
ભમે રાખ ચોળી મસાણે મસાણે,
ખખડતા, બખડતા, અવાજોના ટોળા,
મહા રાત્રીના ઘોર અંઘારકુંડે,
ડુબ્યું મૌન ત્યારે મળ્યો મૂળ મંતર !
ગઈ ક્યાં તળેટી, શિખર ક્યાં ગયાં સહુ,
ન પંખી ન વાદળ, ન શબ્દો ન કાગળ,
હવા જેમ ફરકે હવે માત્ર હોવું,
અમસ્તું અમસ્તું જ આછું પટંતર !
અહો શંખ ફુંકાય છે એકધારો,
કશો નેણ વચ્ચે ઝળેળાટ જાગે,
કશે ક્યાંક થંભી અને શ્વાસ ન્યાળે,
ત્રુટે તંત ત્રુટે તિરાડોના તંતર !
- રાજેન્દ્ર શુક્લ.
એપ્રિલ, 1978.
*for previous posts click here
|