અને મીંડ માંહે -
મને આવડ્યું એવું ગાયા કરું છું,
ષડજમાં થઈ સ્થિર સમાયા કરું છું.
સકલ શ્વાસ મધ્યે હું વાયા કરું છું,
અહીં, ત્યાં, બધે કૈં છવાયા કરું છું.
રસાસ્વાદરૂપે રસાઈ રસાઈ-
મહામૌન જેવું રચાયા કરું છું.
પળેપળ પ્રગટ થાઉં, પમરું પળેપળ,
પળેપળ પમરતો શ્વસાયા કરું છું.
તમે છો તો છે નાદના નર્તનો આ,
ભીંજવતો રહુ છું, ભીંજાયા કરું છું.
હવે શબ્દ પણ સૂરમાં ઓગળે છે,
શમે સૂર તો પણ પમાયા કરું છું.
ગહન હું ખૂલું છું ગહિર આ ગમકમાં,
અને મીંડમાંહે મઢાયા કરું છું.
-રાજેન્દ્ર શુક્લ
17.01.2008.
*for previous posts click here
|